ગુજરાત સરકારની કલાકારો અને યુવાનો માટેની કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ
જો તમારામાં કોઈ કલા છુપાયેલી છે, તમે નાટકોના શોખીન છો, અથવા તો તમે એક યુવા છો જેને પ્રકૃતિના ખોળે એડવેન્ચર કેમ્પ માણવા છે, તો ગુજરાત સરકાર'રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ' દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આ લેખમાં આપવામાં આવી છે. ચાલો, આજે આપણે આ તમામ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ જે તમારા અથવા તમારા બાળકના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે.
| artists-youth-development |
૧. 37 જેટલી વિવિધ કલાઓ માટે સ્પર્ધા અને પ્લેટફોર્મ:
નાનામાં નાના કલાકારથી લઈને મોટા કલાકાર સુધી તમામને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ છે. ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય પઠન વગેરે જેવી કુલ 37 જેટલી અલગ-અલગ કલાઓ માટે સ્પર્ધાઓ યોજાય છે. આ સ્પર્ધાઓની શરૂઆત તાલુકા કક્ષાએથી થાય છે, અને પ્રતિભાશાળી કલાકારોને રાજ્ય કક્ષાથી લઈને છેક દિલ્હી (રાષ્ટ્રીય કક્ષા) સુધી પહોંચાડવાનો તમામ ખર્ચ અને વ્યવસ્થા કચેરી દ્વારા કરવામાં આવે છે.
૨. પ્રાચીન રાસ-ગરબા અને તહેવારો માટે વિશેષ પ્રોત્સાહન:
આપણી સંસ્કૃતિને જાળવી રાખવા નવરાત્રીમાં માત્ર ડીજેના તાલે જ નહીં, પરંતુ અસલ જૂની પરંપરા મુજબ - જાતે ગાઈને, વાદ્યો વગાડીને અને પ્રાચીન વેશભૂષા સાથે થતા રાસ-ગરબાની સ્પર્ધા યોજાય છે. આમાં વિજેતા ટીમને સરકાર તરફથી ₹51,000 સુધીનું રોકડ ઈનામ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે પણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
૩. નાટ્યકલા અને રંગભૂમિ માટે સરકારી ગ્રાન્ટ:
જો તમને નાટક બનાવવાનો શોખ છે, તો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા એકાંકી, દ્વિ-અંકી, ત્રિ-અંકી અને ફૂલ-લેન્થ નાટકો ભજવવા માટે આર્થિક સહાય (ગ્રાન્ટ) ફાળવવામાં આવે છે. પબ્લિક માટે ફ્રીમાં નાટકો ભજવી શકાય તે માટે સરકાર દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં થિયેટર ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે.
૪. લુપ્ત થતી કલાઓનું સંવર્ધન (વહીવંચા શિબિર):
આપણી જૂની સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલાઈ રહી છે, તેને બચાવવા માટે સરકાર 'વહીવંચા શિબિરો' યોજે છે. ખાસ કરીને તુરી બારોટ સમાજ, રાવણહથ્થો વગાડનાર, જોડિયા પાવા, અને ભવાઈ કલાકારો માટે 7 દિવસની વિશેષ તાલીમ શિબિર યોજવામાં આવે છે. જેમાં રહેવા-જમવાની અને સ્ટાઈપેન્ડની વ્યવસ્થા પણ સરકાર દ્વારા જ કરાય છે.
૫. યુવાનો માટે નિઃશુલ્ક એડવેન્ચર અને ટ્રેકિંગ કેમ્પ (વેકેશન પ્લાનિંગ):
આજના બાળકો મોબાઈલથી દૂર રહે અને પ્રકૃતિની નજીક જાય તે માટે સરકારની આ સૌથી બેસ્ટ યોજના છે:
કોણ ભાગ લઈ શકે? 8 થી 13 વર્ષના બાળકો (બેઝિક કેમ્પ) અને 14 થી 45 વર્ષના યુવાનો.
ક્યાં યોજાય છે? ઓસમ ડુંગર (પાટણવાવ), જંગલ પરિભ્રમણ, દરિયાકાંઠાની પગપાળા યાત્રા (10 KM દરરોજ), અને સાયકલ રેલી.
ખર્ચ: આ તમામ શિબિરો સંપૂર્ણ ફ્રી છે. આવા-જવાના ભાડા સહિત રહેવા, જમવા અને ટ્રેનિંગનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે છે.
૬. યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અને યુથ એસેમ્બલી:
યુવાનો અન્ય રાજ્યોની ભાષા, ખેતી, ઉદ્યોગ અને સંસ્કૃતિને નજીકથી સમજી શકે તે માટે સરકાર 'યુથ એક્સચેન્જ પ્રોગ્રામ' ચલાવે છે (દા.ત. ગુજરાતના યુવાનોને હિમાચલ પ્રદેશ લઈ જવામાં આવે છે). આ ઉપરાંત, યુવાનો ભવિષ્યમાં રાજનીતિમાં પ્રવેશી દેશનું સુકાન સંભાળે તે માટે 'યુથ એસેમ્બલી' (એક દિવસની વિધાનસભા) પણ યોજાય છે.
૭. વૃદ્ધ કલાકારો માટે પેન્શન અને 'કલાકાર કાર્ડ':
જે કલાકારોએ આખી જિંદગી કલાની સેવા કરી છે પરંતુ આજે નિરાધાર છે, તેમના માટે સરકારે માસિક પેન્શન યોજના ફરીથી શરૂ કરી છે. એટલું જ નહીં, કલાકારોના હોસ્પિટલના બિલની ચુકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે.
નોંધ: આ તમામ સરકારી લાભો લેવા માટે કલાકારોએ કચેરી ખાતે નોંધણી કરાવીને 'કલાકાર કાર્ડ' (Artist Card) કઢાવવું ફરજિયાત છે.
ઓફિશિયલી વેબસાઇટ
https://commi-synca.gujarat.gov.in/
નિષ્કર્ષ:
વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા સંતાનોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સીમિત ન રાખતા, તેમને કોઈને કોઈ કલા સાથે જોડો અથવા આવા સરકારી ટ્રેકિંગ કેમ્પમાં મોકલો. તેનાથી તેમનો સર્વાંગી વિકાસ થશે અને તેઓ તણાવમુક્ત રહેશે. રાજકોટમાં રહેતા લોકો વધુ માહિતી માટે બહુમાળી ભવન (રેસકોર્સ રોડ) ખાતે આવેલી પાંચમા માળની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે.
📌 તમામ સરકારી યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સચોટ માહિતી વિડીયો સ્વરૂપે જોવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ Sarkari Yojana Gujarat ની મુલાકાત લો.
Social Plugin