ભારતીય બંધારણનો ઐતિહાસિક વિકાસ: 1773 ના રેગ્યુલેટિંગ એક્ટથી 1950 સુધી

ભારતીય બંધારણનો ઐતિહાસિક વિકાસ: 1773 ના રેગ્યુલેટિંગ એક્ટથી 1950 સુધી


જાણો ભારતના બંધારણનો પાયો કેવી રીતે નંખાયો? (UPSC/GPSC Special) 

ભારતનું વર્તમાન બંધારણ એ રાતોરાત બનેલો દસ્તાવેજ નથી, પરંતુ તે સદીઓથી ચાલી આવતી બ્રિટિશ કાયદાકીય પ્રક્રિયાઓ અને વહીવટી સુધારાઓનું પરિણામ છે. ૧૬૦૦માં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા આવી અને કાળક્રમે શાસક બની, જેના નિયમન માટે બ્રિટિશ સંસદે અનેક કાયદાઓ ઘડ્યા જે આપણા બંધારણનો પાયો બન્યા.

 

બંધારણના  મુખ્ય તબક્કાવાર (Points) ઇતિહાસ 

૧. કંપની શાસન (૧૭૭૩-૧૮૫૮)

કંપનીના શાસન દરમિયાન બ્રિટિશ સંસદે કંપની પર નિયંત્રણ લાવવા અને વહીવટ સુધારવા કેટલાક મહત્વના કાયદાઓ પસાર કર્યા:

નિયામક ધારો ૧૭૭૩ (Regulating Act 1773): આ કાયદો ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખનાર પ્રથમ કાયદો હતો. તેના દ્વારા બંગાળના ગવર્નરને 'ગવર્નર જનરલ ઓફ બંગાળ' બનાવવામાં આવ્યા અને તેમની મદદ માટે ૪ સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ રચવામાં આવી. વોરેન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આ કાયદા હેઠળ ૧૭૭૪માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશો હતા.

ચાર્ટર એક્ટ ૧૮૧૩ (Charter Act 1813): આ કાયદા દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો ઈજારો (Monopoly) નાબૂદ કરવામાં આવ્યો, જોકે ચા અને ચીન સાથેના વેપાર પર કંપનીનો અધિકાર ચાલુ રહ્યો. આ કાયદાની મહત્વની જોગવાઈ એ હતી કે તેણે ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચારની છૂટ આપી અને ભારતીયોના શિક્ષણ માટે વાર્ષિક ૧ લાખ રૂપિયાની ફાળવણી કરી.

ચાર્ટર એક્ટ ૧૮૩૩ (Charter Act 1833): આ કાયદાએ ભારતમાં કેન્દ્રીયકરણની પ્રક્રિયાને મજબૂત બનાવી. બંગાળના ગવર્નર જનરલને હવે 'ભારતના ગવર્નર જનરલ' બનાવવામાં આવ્યા અને લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. કંપની હવે માત્ર એક વહીવટી સંસ્થા બની ગઈ.

ચાર્ટર એક્ટ ૧૮૫૩ (Charter Act 1853): આ કાયદા દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાકીય અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવ્યા. તેમજ સિવિલ સર્વિસ (નાગરિક સેવાઓ) માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત થઈ, જે ભારતીયો માટે પણ ખુલ્લી મુકવામાં આવી.

૨. તાજનું શાસન (૧૮૫૮-૧૯૪૭)

૧૮૫૭ના વિપ્લવ પછી બ્રિટિશ તાજે (Crown) ભારતનું શાસન સીધું પોતાના હાથમાં લીધું.

ભારત સરકાર અધિનિયમ ૧૮૫૮ (Govt of India Act 1858): આ કાયદાને 'ભારતના સારા શાસન માટેનો કાયદો' (Act for Good Government) કહેવામાં આવ્યો. ગવર્નર જનરલનું પદ બદલીને 'વાઈસરોય' કરવામાં આવ્યું અને લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઈસરોય બન્યા. આ કાયદાથી 'સેક્રેટરી ઓફ સ્ટેટ' (ભારત મંત્રી) નું નવું પદ ઊભું કરવામાં આવ્યું.

મોર્લે-મિન્ટો સુધારા ૧૯૦૯ (Indian Councils Act 1909): આ સુધારા દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોના કદમાં વધારો કરવામાં આવ્યો. સૌથી વિવાદાસ્પદ જોગવાઈ મુસ્લિમો માટે 'અલગ મતદાર મંડળ' (Separate Electorate) ની હતી, જેણે કોમવાદને કાયદાકીય સ્વરૂપ આપ્યું. સત્યેન્દ્ર પ્રસાદ સિંહા વાઈસરોયની કારોબારી પરિષદમાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા.

મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા ૧૯૧૯ (Govt of India Act 1919): આ કાયદા દ્વારા પ્રાંતોમાં 'દ્વિમુખી શાસન પદ્ધતિ' (Dyarchy) દાખલ કરવામાં આવી, જેમાં વિષયને 'સોંપાયેલા' (Transferred) અને 'અનામત' (Reserved) એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા. કેન્દ્રમાં દ્વિગૃહી (Bicameral) ધારાસભાની શરૂઆત થઈ અને શીખ, ખ્રિસ્તીઓ વગેરે માટે પણ અલગ મતદાર મંડળો વિસ્તારવામાં આવ્યા..

૩. ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ (Government of India Act 1935)

આ કાયદો ભારતીય બંધારણનો 'બ્લુપ્રિન્ટ' ગણાય છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ હતી:

પ્રાંતીય સ્વાયત્તતા (Provincial Autonomy): પ્રાંતોમાંથી દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી તેમને સ્વાયત્તતા આપવામાં આવી.

ફેડરલ કોર્ટ અને RBI: આ કાયદા હેઠળ ૧૯૩૭માં ફેડરલ કોર્ટની સ્થાપના થઈ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની રચનાની જોગવાઈ કરવામાં આવી.

સત્તાનું વિભાજન: સત્તાને કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે ત્રણ યાદીમાં વહેંચવામાં આવી: સંઘ યાદી, પ્રાંત યાદી અને સંયુક્ત યાદી.

આ કાયદા દ્વારા લગભગ ૧૦% વસ્તીને મતાધિકાર મળ્યો.

૪. બંધારણ સભા અને આઝાદી (૧૯૪૬-૧૯૫૦)

કેબિનેટ મિશન (૧૯૪૬): ભારતનું બંધારણ ઘડવા માટે ૧૯૪૬માં કેબિનેટ મિશનની ભલામણથી બંધારણ સભાની રચના કરવામાં આવી. ૧૯૩૫ના કાયદા હેઠળ થયેલી ચૂંટણીઓના આધારે પ્રાંતિક ધારાસભાઓ દ્વારા બંધારણ સભાના સભ્યો ચૂંટાયા હતા.

ભારતીય સ્વતંત્રતા ધારો ૧૯૪૭: આ કાયદા દ્વારા બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત તથા પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રોની રચના થઈ.

આમ, ૧૭૭૩ ના રેગ્યુલેટિંગ એક્ટથી શરૂ થયેલી આ બંધારણીય યાત્રા ૧૯૫૦ માં ભારતના પ્રજાસત્તાક બંધારણના અમલ સાથે પૂર્ણ થઈ, જેમાં ૧૯૩૫ ના કાયદાનો સૌથી મોટો પ્રભાવ જોવા મળે છે.

Close Menu